નમસ્કાર મિત્રો હું ઘણા સમયથી મારો બ્લોગ અપડેટ નહોતો કરતો કારણ કે મને એમ હતું કે મારો બ્લોગ કોણ જુએ છે ? પણ એક દિવસ અમરેલી થી ફોન આવ્યો કે હું તમારો બ્લોગ જોવું છું. ત્યારે ઈચ્છા થઇ કે કોઈક તો જુએ છે. આભાર સહ ...

રવિવાર, 21 એપ્રિલ, 2013




રવિભાણ સમ્પ્રદાયની કહાનવાડી ગાદી
કહાનવાડી એ હાલના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાનું મહીકાંઠાનું ગામ છે. આ ગામમાં રવિભાણ સમ્પ્રદાયની જગ્યા આવેલી છે. મૂળ એ શેરખીની પેટા શાખા. શેરખી સામે કાંઠે. કહાનવાડી આ કાંઠે. વચ્ચે મહીસાગર નદી. બન્ને ગામો વચ્ચે 12-15 માઇલનું અંતર. આજથી લગભગ દોઢસો વર્ષ પૂર્વે વીરદાસ મહારાજે અહીં રવિભાણ સમ્પ્રદાયની જ્યોત જગાવી. આજે આ જગ્યાના મહંત તરીકે દલપતરામ પઢિયાર બિરાજે છે.
વીરદાસ મહારાજને કહાનવાડી રવિ ભાણ સ્મપ્રદાયની જગ્યાના આદ્ય સ્થાપક માનવામાં અવે છે. તેમના પિતા ભગવાનદાસ  ધાર્મિકવૃત્તિના સીધા માણસ હતા. ગાદીની મહંત પરંપરા આ પ્રમાણે છે. ભગવાનદાસ -વીરદાસ રણછોડદાસ માહેનરામ - ભીખુરામ - નારાયણરામ દલપતરામ. આ પરંપરા ગૃહસ્થ છે. વારસાગત રીતે તેના ઉત્તરાધિકારી આ જગ્યા સંભાળતા આવ્યા છે.
વર્તમાન મહંત દલપતરામના પિતા નારાયણરામ પ્રકૃતિએ સ્થિર અને શાંત. આત્મપ્રતીતિ વિશે તે એકદમ દ્રઢ અને એકાગ્ર. એમની હૃદયની કોમળતા, દ્રષ્ટિની વિશાળતા અને ભક્તિની નિર્મળતા માત્ર કુંટુંબીજનોને જ નહીં આખા સેવકસમુદાયને પ્રભાવિત કરતાં. ભજન સિવાય બીજામાં ભાવ નહીં. સતસંગ સિવાય બહુ બોલે નહીં. વાણી બંધ હોય ત્યારે આંખો બોલ્યા કરે. નર્યા પ્રેમની મૂર્તિ. ઘરકુંટુબના, સમાજના બધાજ વ્યવહાર નીભાવે પણ મૂળ અને સ્થાયી નિસ્બત ભીતર સાથે. એમની કંઠી શેરખાની જગ્યાની. રાઘવપ્રસાદ એમના ગુરુ. આગળ જતાં એમને નિરાંત આચાર્યશ્રી સરતાનરામનો ભેટો થયો. તેઓ તેમના જ્ઞાન અને સત્સંગથી પ્રભાવિત થયા. સરતાનરામને ગુરુ કર્યા અને ઉપદેશ લીધો. પોતે તો ગુરુ હતા જ. વિશાળ શિષ્યસમુદાય હતો તેમ છતાં ગુરુ કર્યા. આથી આખો શિષ્યસમાજ આંચકો ખાઇ ગયો. પણ નારાયણરામ તેમના મત વિશે મક્કમ રહેલા. પછી તો નારાયણરામની મૌલિકતા અને ચિંતનશીલતાએ રવિભાણ સમ્પ્રદાયની સાધનાધારા અને નિરાંત સમ્પ્રદાયની જ્ઞાનધારાનો અદભૂત સમન્વય સાધ્યો. આ નવસંસ્કરણ પામેલી એ સમન્વયવાદી ધારાનું સંવર્ધન વર્તમાન ગાદીપતિ દલપતરામ કરી રહ્યા છે.
કહાનવાડીની જગ્યા ધ્વારા યોજાતો સૌથી મોટો અને સૌથી મહત્વનો ધાર્મિક ઉત્સવ મહાશિવરાત્રીનો છે. આ ઉત્સવ નિમિત્તે જુદા જુદા વિસ્તારોમાં પ્રતિવર્ષ અલખધણીનો પાટ મંડાય છે. પાટના આ સવરા મંડપમાં બધા અનુયાયીઓ અને સત્સંગ પ્રેમીઓ ઉમટે છે. લગભગ 60 થી 70 હજાર અનુયાયીઓ ભાગ લે છે. દિવસે યજ્ઞ થાય છે અને રાત્રે પાટ પૂરાય છે.
મહીકાંઠાનાં કોતરોની વચ્ચે વસેલ કહાનવાડી ગામની રવિભાણ સમ્પ્રદાયની જગ્યાનો પ્રકાશ અને તેના કાર્યોની સુવાસ ચોમેર ફેલાયેલી છે. ખેડા, ભરુચ, પંચમહાલ, અમરેલી, વડોદરા જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાનમાં પણ આ જગ્યાના અનુયાયીઓ પથરાયેલા છે. આ જગ્યા હેઠળ 250થી વધુ ગામો રવિભાણની સાધનાભક્તિનો પ્રકાશ પામી રહ્યાં છે.
આ જગ્યાની મુખ્ય વિશેષતા એ છે કે, સામાન્ય જનની જાગૃતિ અને ઉન્નતિ માટે વસતિ સાથે સીધો નાતો જોડેલો રાખે છે. એક-એક વ્યક્તિ અને ઘર-ખોરડું અજવાળવાનું એનું લક્ષ્ય છે. સામાન્ય અને દૂર પડેલા માણસની પાસે, ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોની પાસે જવાનું એણે પ્રથમ પસંદ કર્યું છે. નાતજાત, ઊંચનીચના કોઇપણ પ્રકારના ભેદ વગર માણસનો માણસ તરીકે સ્વીકાર કરીને તેને સાચું જીવન જીવવા તરફ દોરી જવાનો અને તેનામાં પડેલા માણસને જગાડવાનો પ્રયત્ન રહેલો છે. વાણિયા, બ્રાહ્મણ, હરિજન, મુસ્લિમ તમામ જાતિના અનુયાયીઓ આમાં જોડાયેલા છે. ભજન, સત્સંગ, કંઠી, ઉપદેશ ધ્વારા જનજાગૃતિની અવિરત સાધના આ જગ્યા ધ્વારા ચલાવવામાં આવી રહી છે. કહાનવાડી ખાતે દર પૂનમે નિયમિત રીતે સત્સંગ થાય છે.  કંઠીબોધ ધારણ કરવા ભક્તો અહીં આવે છે. ભક્તો અહીંની પૂનમો પણ ભરે છે.
રવિભાણ સમ્પ્રદાય નામમાં બે વ્યક્તિઓનો ઉલ્લેખ છે રવિ અને ભાણ. રવિ એટલે રવિસાહેબ અને ભાણ એટલે ભાણસાહેબ. રવિસાહેબ ભાણસાહેબના શિષ્ય ભાણસાહેબ એટલે ગુજરાતમાં રામકબીરિયા શાખાના સ્થાપક અને રવિભાણ સમ્પ્રદાયના આદ્યસ્થાપક. ભાણકબીર તરીકે ઓળખાય છે. આમ, રવિભાણ સમ્પ્રદાયનું અભિદ્યાન ગુરુ અને શિષ્યના નામ પરથી પડેલું છે. સામાન્ય રીતે મુખ્ય પ્રવર્તક અથવા ગુરુના નામે સમ્પ્રદાયનું નામ પડતું હોય છે. અહીં ગુરુ સાથે શિષ્યનું નામ જોડાયું છે. તેમાં પણ શિષ્યનું નામ ગુરુના નામની પહેલાં સ્થાન પામ્યું છે. આ ઘટના વિરલ છે. રવિસાહેબ સાચે જ ભાણસાહેબના પ્રતાપી શિષ્ય હતા.
ગુજરાતમાં રવિભાણ સમ્પ્રદાયનાં મુખ્ય ચાર સ્થાનકો સુપ્રસિદ્ધ છે રખી, કમિજળા, રાપર અને ખંભાળિયા. રવિભાણ સમ્પ્રદાયનાં આ મુખ્ય ચાર સ્થાનકોમાંથી કાળક્રમે અનેક શાખા પ્રશાખાઓ પ્રગટી છે. કમિજળા સિવાય અન્ય કોઇ સ્થાનકમાં ઉત્તરાધિકારી નથી. કમિજળાની જગ્યા ઉપર અત્યારે જાનકીદાસજી મહારાજ સક્રિય કામગીરી કરી રહ્યા છે. આમ છતાં આ સમ્પ્રદાય ટક્યો છે અને વધતો પણ રહ્યો છે. તેની ચાર મુખ્ય જગ્યાઓની પ્રશાખાઓ આજે ઘણે સ્થળે સક્રિય છે. કહાનવાડી તેમાંની એક છે.
ડૉ.નાથાલાલ ગોહિલે એમના પુસ્તક સતસાહેબની સરવાણીમાં કબીર અને રવિભાણ સમ્પ્રદાયનાં સંતોની વાણી અને કાર્યનો સવિગત પરિચય કરાવ્યો છે. તેઓ લખે છે, ...કબીર સાહેબની પરંપરા સાથે અનુસંધાન ધરાવતો રવિભાણ સમ્પ્રદાય આજે તેની આગવી ઓળખ સાથે સમગ્ર ગુજરાતમાં વટવૃક્ષની જેમ ફેલાયેલો છે. આજથી ત્રણસો વર્ષ પૂર્વે ભાણસાહેબના પ્રાગટ્ય અને તેમના ભક્તિ આંદોલન સાથે આ સમ્પ્રદાયનો પ્રાદુર્ભાવ થયો હતો... ભાણસાહેબની સરદારી હેઠળ ભેખધારી અને સેવાવ્રતી સંતોની એક ફોજ તૈયાર થઇ. એ ભાણફોજ તરીકે ઓળખાતી. મિશનરી ધગશથી આ ફોજ, વસતી ચેતાવવાની અદમ્ય ભાવના સાથે આખું ગુજરાત ઘૂમી વળી. ઊંચનીચના, કૂળજાતિના, ધર્મસમ્પ્રદાયના ભેદભાવની પર એવી અભેદ્યદ્રષ્ટિ, અત્યંજ ગણાતા નીચલા થરના લોકોનો સ્વીકાર અને સમાદર, ત્યાગમય સેવા પારાયણતા, ગામડે ગામડે અને ઘરેઘરે ફરી જનહૃદયમાં ભજનસત્સંગ, ઉપદેશ ધ્વારા સદાચાર અને ભક્તિભાવનાના સિંચનની નૂતન વિચારધારા અને ઉચ્ચ આચાર પ્રણાલીને લઇને આ સમ્પ્રદાય લોકદર પામ્યો. સાહેબ પરંપરા, ગુરુશિષ્ય પરંપરા, ગૃહસ્થ સંતોની બુંદ પરંપરા, સંન્યસ્ત સંતોની નાદ પરંપરા,  સાધુઓની પાટ પરંપરા, સમાધિ પરંપરા, સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર ઉભય ઉપાસના ધારા, સંતશ્રેણી ધ્વારા સમૃદ્ધ અને વિપુલ ભજનવારસો વગેરે આ સંપ્રદાયે ઊંચી કોટિની તેજસ્વી સંતોની ભેટ આપી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો